એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 11-4થી આઇઆઇએમ અમદાવાદ ખાતે ‘શૈક્ષણિક નેતૃત્વ અને સંસ્થાકીય સંચાલન’ વિષય પર ત્રિદિવસીય કાર્યગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે 35 જેટલા અધ્યાપકોને નિષ્ણાત વસંત ગાંધી દ્વારા સર્જનાત્મકતા અને પ્રકલ્પ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સર્જનાત્મકતાને સમજાવવા માટે અધ્યાપકોને 3 જૂથમાં વહેંચી વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિજય શેરી ચાંદ દ્વારા આઇઆઇએમ અમદાવાદના શરૂઆતથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવી હતી અને છેલ્લે રિસર્ચ ઇકો સિસ્ટમ અને યુજીસી રેગ્યુલેશન ધોરણોની જાળવણી પર પ્રવચન આપવામાં આવ્યું હતું. વચ્ચેના બે સેશનમાં આનંદકુમાર જયસ્વાલ દ્વારા પાર્ટિશિપેન્ટ બેઝ્ડ લર્નિંગ-કેસ ટીચિંગ એન્ડ રાઇટિંગ પર તલસ્પર્શી અભ્યાસ અંગેના વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યગોષ્ઠિનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.