વિસાવદર પંથકનાં હસ્નાપુર અને કાલાવડમાંથી વધુ બે દીપડા પાંજરે પૂરાયાવિસાવદર પંથકમાં છેલ્લા દશેક દિવસમાં દીપડાઓએ મચાવેલા આતંકથી હાહાકાર મચી ગયો હતો. બાદમાં વનવિભાગ હરકતમાં આવતાં ચાર દિવસમાં જ કુલ ચાર દીપડાને પાંજરે પુર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ હસનાપુરમાં પ્રભાબેન તથા અંબાળામાં હિરલ નામની બાળકીને દીપડાઓએ ફાડી ખાધા બાદ માનવભક્ષી દીપડાઓને પાંજરે પુરવામાં વનવિભાગને સાસણની રેસ્કયુ ટીમ અને વેટરનરી ડોકટરની મદદ લેવી પડી હતી. ત્યારબાદ કેદ થયેલા બન્ને દીપડાઓ સાસણ મોકલી આપવામાં આવ્યા છે.

બાદમાં સ્થાનિકોની માંગણી મુજબ કાલાવડમાં અને હસનાપુરમાં પાંજરાઓ દીપડાઓને પકડવા મુકવામાં આવ્યા હતા. જેમાં શુક્રવારે રાત્રીના કાલાવડમાંથી દીપડો અને હસનાપુરમાંથી દીપડી પાંજરે પુરાઇ હતી. આ વિસ્તારનાં લોકોનાં કહેવા મુજબ હજુ પણ આ ત્રણેય ગામોમાં ત્રણ દીપડાનાં આંટાફેરા છે. જોકે ચાર દિવસમાં ચાર દીપડા પકડાયા બાદ વનવિભાગ પણ ગડમથલમાં પડ્યું છે કે દીપડાઓમાંથી માનવભક્ષી કેટલા છે ? આ દીપડાનાં મળમુત્રનાં નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ માનવભક્ષી દીપડાની સ્થિતિ સ્પષ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર પંથકમાં દિપડાની સંખ્યા વધારે હોય અને અવાર-નવાર લોકો પર હુમલા કરતા હોઇ જેને લઇને આ વિસ્તારમાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બે દિવસમાં બાળકી અને વૃદ્ધા પર હુમલાની ઘટના બની હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today