સ્વિડનની એક જેલ કેદખાનાની વિચારધારાથી સાવ ઉલટી છે. આ જેલની છત પર 1,100 ચોરસ મીટરમાં છોડ અને ટર્ફ લગાવાયા છે. ચારેય તરફ 6,000 ચોરસ મીટર દીવાલવાળા ભાગમાં ઇન્સ્યુલેટેડ કાચ લગાવાયા છે, જે બિલ્ડિંગને ઠંડું રાખે છે. 8 કેટેગરીના વેસ્ટ મટિરિયલ માટે એક ડિસ્પોઝલ રૂમ બનાવાયો છે. જેલને એક ઇકોફ્રેન્ડલી એવોર્ડ (2019 બ્રીયમ પબ્લિક પ્રોજેક્ટ્સ ઇન યુઝ)થી નવાજાઇ છે. તેબલન-4 નામનું એક બિલ્ડિંગ 2010માં સ્વીડિશ કંપની વાસેએ ખરીદયું હતું. પછીથી તેને જેલ બનાવી દેવાઇ. તેને સ્વીડિશ જેલ અને પ્રોબેશન સર્વિસ (ક્રિમિનલ વોર્ડન) નામ અપાયું છે. એવોર્ડ આપનારી સંસ્થાના ચેરમેન એલન યેટ્સના કહેવા મુજબ, જેલમાં સુરક્ષા કરતાં સ્વચ્છતાને વધુ મહત્વ અપાયું હતું. જજોને આ વાત બહુ ગમી. વાસેના પ્રોપર્ટી હેડ સારા જાગર્મોના જણાવ્યાનુસાર, છત પર લાગેલા છોડ બિલ્ડિંગને રેડિયેશન અને તાપમાનમાં વધ-ઘટથી બચાવે છે. જેલની બેરેકો એ રીતે બનાવાઇ છે કે તેમાં પાણીનો ઓછો વપરાશ થાય જેલમાં ઉપયોગમાં લેવાતા ફ્રિજ વીજળી બચાવે છે. આખી જેલમાં એલઇડી લાઇટિંગ છે, જે એક સેન્ટ્રલ સર્વેલન્સ સિસ્ટમ સાથે જોડાયેલું છે.
બિલ્ડિંગને એક મિકેનિકલ વેન્ટિલેશન સિસ્ટમ દ્વારા ઠંડી કે ગરમ કરાય છે. આ સિસ્ટમથી હવા રિસાઇકલ થઇ જાય છે અને તેના કારણે ગરમી ઓછી થઇ જાય છે. જેલના કિચનના કચરામાંથી બાયોગેસ બનાવાય છે. અહીંનું 12% ફૂડ ઓર્ગેનિક હોય છે. અઠવાડિયામાં બે દિવસ શાકાહારી ભોજન અપાય છે. જેલની અંદર જ એક કોરિડોર છે, જે સીધો પ્રોસીક્યુટર ઓફિસ અને કોર્ટરૂમ સાથે જોડાયેલો છે. તેથી કેદીને કોઇ વાહન વિના પણ કોર્ટમાં લઇ જઇ શકાય છે.