પોરબંદરના છાંયા વિસ્તારમાં બ્લોકનું કામ ચાલી રહ્યું હતું અને મજુરવર્ગના યુવાનો પોતાના બાળકોને સાથે લઈને આવ્યા હતા. ભરાઈનું કામ ચાલુ હતું તે દરમિયાન એક બાળક રમતા-રમતા દિવાલે ટીંગાયો હતો ત્યારે માથા પર પથ્થર પડતા તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મુળ મધ્યપ્રદેશ અને હાલ છાંયા (ઓડદર) માં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજુર રમેશ મેડા પોતાના પરિવાર સાથે ભરાઈનું કામ કરતા હતા. આથી છાંયા વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ પાછળ બ્લોકનું કામ ચાલુ હતું અને રવિવારે બ્લોકમાં સ્લેબની ભરાઈ ચાલુ હતી. આ મજુરોના બાળકો પણ સાથે આવ્યા હતા. ભરાઈનું કામ અડધું થયું હતું અને સ્લેબ અડધો ભરાયો હતો તે દરમિયાન રમેશ મેડાનો પુત્ર મનિષ (ઉ. વર્ષ 9) નામનો બાળક રમતા-રમતા દિવાલે ટીંગાયો હતો અને તેના પર મોટો પથ્થર પડ્યો હતો. આ અંગેની જાણ થતા તાત્કાલીક આ બાળકને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.