દેશભરમાં 4 સેન્ટર પર ટ્રેનિંગની વ્યવસ્થા, પૂરો ખર્ચ સંસ્થા જ ઉપાડે છે
20 વર્ષ સૈન્યમાં વીતાવ્યા બાદ સામાન્ય નાગરિકો જેવી જિંદગી મુશ્કેલીભરી હોઇ શકે છે. આવી જ કંઇક મુશ્કેલીઓ 40 વર્ષના આર. વાય. નાયડુ સામે પણ હતી. નિવૃત્તિ નજીક આવતાં-આવતાં તેમણે આવકના અન્ય વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. નિવૃત્તિના 20 દિવસ પહેલા લીધેલા એક નિર્ણયે તેમની જિંદગી બદલી નાખી. આજે તેઓ સફળ આંત્રપ્રેન્યોર છે. આ બધું આઇ ક્રિએટ ઇન્ડિયાના કારણે શક્ય બન્યું છે. સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જવાનોને સંસ્થા ઉદ્યમિતાની ટ્રેનિંગ આપે છે, જેથી તેઓ પોતનો બિઝનેસ શરૂ કરી શકે. સંસ્થાના સીઇઓ ઉલ્હાસ કામતે ભાસ્કરને જણાવ્યું કે દર વર્ષે અંદાજે 60,000 નિવૃત્ત જવાન નિવૃત્ત થાય છે. ઉંમર અંદાજે 30 વર્ષ હોય છે. ઉદ્યમી બનવા માટે આ જ યોગ્ય સમય હોય છે. સંસ્થાએ 2016થી અત્યાર સુધીમાં 50 જવાનને આંત્રપ્રેન્યોર બનવામાં મદદ કરી છે.