વડોદરામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબ અને નવચેતના ફોરમ દ્વારા યોજાયેલી બિનરાજકીય મતદાન જાગૃતિ રેલીમાં 200થી વધુ સંગઠનો જોડાતાં વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું છે. મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો કરવા એ આપણા સૌનું કર્તવ્ય છે. વડોદરામાં મહત્તમ મતદાન થાય અને ઉચ્ચ મતદાનનો વિક્રમ રચાય તે માટે રેલી યોજવા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચૂંટણી પંચ પાસે પરવાનગી માંગી હતી કે જે દેશમાં પ્રથમ વખત આ પ્રકારની અરજી હતી. માંડવી ગેટથી શરૂ થયેલી આ રેલીમાં કિન્નર સમુદાયના સદસ્યો સોળે શણગાર સજીને જોડાયા હતા તો નામાંકિત કલાકારો-નૃત્યકારો પરંપરાંગત વેશભૂષામાં જોડાયા હતા.આ સિવાય, 100થી વધુ તબીબો સ્ટેથોસ્કોપ ધારણ કરીને, વકીલો તેમની ઓળખ સમી કાયદાના પ્રતીકવાળી ટાઇ પહેરીને, 200 અંબરિષ યોગીઓ સહિત ધાર્મિક સંસ્થાના અનુયાયીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાના આગેવાનો, વ્યાયામવીરો, દિવ્યાંગો પણ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.મૃદંગ શરણાઇવાદકોએ રેલીનું નેતૃત્વ લીધું હતું અને કલેકટર કચેરી સ્થિત કોઠી બિલ્ડિંગ ખાતે સમાપન થયું હતું.