પોરબંદર શહેરમાં સાંસ્કૃતિક વારસાનું દ્વિદિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લુપ્ત થતી સંસ્કૃતિના પ્રદર્શનના માધ્યમથી પુન:જીવંત કરવાના આશયથી કલાક્ષેત્રે અને વિવિધ કાર્યક્રમોમાં મોખરાનું સ્થાન ધરાવતા ક્રીએટીવ ગૃપ તથા મહેર પરિવાર દ્વારા દ્વિદિવસીય સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનનું આયોજન ચોપાટીના ગ્રાઉન્ડ ખાતે થયું હતું. મહેર સંસ્કૃતિનું પ્રદર્શન તથા ચિત્રકારોના ચિત્ર પ્રદર્શિત થયા હતા. નથુ ગરચરના રેતચિત્રની પાળીયાપૂજાના રેતશિલ્પ, ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રકારના વાસણો, કોઠીઓ, પેટારાઓ, ઘરઘંટી, ગાડું, કૂવાપટની પનિહારી, ઘમ્મર વલોણું, પ્રાચીન વાજીંત્રો, ખેતીના ઓઝારો, ઢોલીયાઓ, માચીઓ, ચૂલા-તાવડી સહિતનું રાંધણીયું, વસ્ત્રો-ગોદડીઓ, ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ અને કલાકારોના અદભુત ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક વારસો એ કોઈપણ પ્રજા અથવા રાષ્ટ્રનો ઐતિહાસિક, અમૂલ્ય વારસો છે તે અતીતનો આયનો અને વર્તમાનની ગતિ છે. ભવિષ્યનું સ્વપ્ન દર્શન છે. તે પૂર્વજોના જ્ઞાન અને અનુભવોનો સંચિત નિધી છે. સાંસ્કૃતિક વારસામાં સચવાયેલા મૂલ્યો, આદર્શો, પ્રણાલિકાઓ અને પરંપરાથી અવગત થવાય છે. આ સાંસ્કૃતિક વારસા થકી રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે છે તેવું વક્તાઓએ જણાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા
જુના લગ્નગીતો, ફટાણા, મણીયારો રાસ, ઢાલ-તલવાર રાસ, અભિનય, સાંસ્કૃતિક વક્તવ્ય વગેરે કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા. તેમજ નથુ ગરચરની રેતી ચિત્રની પાળીયાપૂજાના રેતશિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.