અબડાસા વિસ્તારના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના ચકચારી હત્યા કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીની ટીમે બે શાર્પ શૂટરો, મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કરી લીધા બાદ હવે આ હત્યા કેસની ફરિયાદમાં શરૂઆતથી જેનું નામ ફરિયાદમાં છે તેવા જેન્તી ઠક્કર ડુમરાને એસઆઇટીની ટીમે પકડી લીધા બાદ તેને ભચાઉ કોર્ટમાં 12 મુદ્દાઅો સાથે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો જેમાં ભચાઉ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કોર્ટમાં એસઆઇટીએ આરોપી જેન્તી ડુમરાને એસઆઇટીના ડીવાયએસપી પી.પી.પીરોજીયાએ ટીમ સાથે રજુ કરી આ આરોપીનું નામ એફઆઇઆરમાં શરૂઆતથી છે અને છબીલ પટેલે પુછપરછ દરમિયાન કરેલી કબુલાત મુજબ હાલના આરોપી જેન્તી ઠક્કર ડુમરા અને છબીલ પટેલને જયંતિ ભાનુશાલી ઉપર અત્યંત ગુસ્સો હતો, આ બન્ને આરોપીઓએ ભાનુશાલીને બદનામ કરવા મનિષા ગોસ્વામી અને તેની પાસે રહેલા અશ્લીલ સાહીત્યનો સહારો લઇ ભાનુશાલીને બદનામ કર્યા હતા. જયંતિ ભાનુશાલીને પતાવી દેવાના કારસામાં આર્થિક ભાગ પણ જેન્તી ડુમરાએ આપ્યો હોવાની છબીલ પટેલે કરેલી કબુલાતના આધારે રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
કેડીસીસી બેંકના કૌભાંડ બાબતે પુછપરછ જરૂરી
આરોપી જેન્તી ઠક્કર ડુમરા વિરુધ્ધ ચાલતી કેડીસીસી બેંક કૌભાંડની તપાસ ઉપર સ્ટે હટાવવા જયંતિ ભાનુશાલીએ મહેનત કરી હતી જેમાં એ સફળ થતાં જયંતિ ઠક્કરે ભાનુશાલીને હંમેશા માટે દુર કરવા નક્કી કરાયું હોવાનો મુદ્દો એસઆઇટીની ટીમે કોર્ટમાં રજુ કર્યો હતો અને કેડીસીસી બેંકનું આર્થિક કૌભાંડ શું હતું ? એ બાબતે પુછપરછ કરવી જરૂરી છે તેવી રજુઆત એસઆઇટીની ટીમે કોર્ટ સમક્ષ કરી હતી.
સિધ્ધાર્થ પટેલને જેન્તી ડુમરાએ રોક્યા હતા ?
આ હત્યા કેસમાં સંડોવાયેલા અશોક પટેલ, હાર્દીક પટેલ તથા અન્યના નિવેદન ઉપરથી ફલિત થાય છે કે આ હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ પોલીસ સમક્ષ હાજર થવા માગતા હતા પરંતુ જેન્તી ડુમરાએ તેને હાજર થવા દીધા ન હતી તેના પાછળ આ આરોપીનો ઇરાદો શું હતો એ જાણવું પણ અતિ જરૂરી હોવાનું સીટની ટીમે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.