પોરબંદરમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે ઠેરઠેર અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શહેર અને ગ્રામીણ પંથકમાં મતદાન કરવાથી કોઈ વ્યક્તિ બાકાત ન રહી જાય તે માટે અવશ્ય મતદાન કરવાનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચે તાજેતરમાં જ ગેસ સિલીન્ડર પર મતદાન જાગૃતિના સ્લોગન લખી ઘર-ઘર સુધી મહિલાઓને મતદાન કરવા અંગે અપીલ કરાઈ છે. વધુ એક વખત દૂધની કોથળી ઉપર ‘23 મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન’ ના સ્લોગનો લખાયા છે અને મતદાન જાગૃતિ અંગેના સ્લોગન લખાયેલ દૂધની પ્લાસ્ટીકની કોથળીઓનું વેચાણ થઈ રહ્યું છે. આ દૂધની કોથળીઓના માધ્યમથી ગૃહીણીઓને પણ ઘર-ઘર સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.