શાહજહાંપુર (યુપી) | ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શાહજહાંપુરના કાંટમાં સભામાં સપા-બસપા અને કોંગ્રેસ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે પુલવામાના હુમલાના 13મા દિવસે એરફોર્સના જવાનોએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકી અડ્ડા તોડી પાડ્યા હતા. તે દિવસે સમગ્ર દેશમાં ફટાકડા ફૂટ્યા, મીઠાઈઓ વહેંચાઈ. ખુશીના આ દિવસે પણ બુઆ અને ભત્રીજાના ઘરમાં શોક હતો. તેમના ચહેરા લટકેલા હતા. હવે માયાવતી અને અખિલેશ યાદવ પુરાવા માગી રહ્યા છે. તેમણે બસપા પ્રમુખ માયાવતી પર કટાક્ષ કરતા કહ્યું ચૂંટણી આવતા જ બહેનજીને આંબેડકરજીની યાદ આવે છે. ચૂંટણી જીત્યા પછી તે પોતાની મૂર્તિ લગાવવાનું શરૂ કરી દે છે. આવા લોકોથી સાવધ રહેવું જોઈએ. અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નિશાન પર લીધા. તેમણે કહ્યું જ્યારે પાકિસ્તાનમાં બોમ્બ ફેંક્યા તો રાહુલ બાબાના લોકો ચિંતિત થઈ ગયા. તેમણે કહ્યું, સપા, બસપા અને કોંગ્રેસવાળા ભલે વોટ બેંકની ચિંતા કરતા પાકિસ્તાન સાથે ઈલુ-ઈલુ કરે. પરંતુ ભાજપ માટે વોટ બેંકથી વધુ દેશની સલામતી મહત્વની છે. જ્યાં સુધી મોદી પીએમ છે, પાકિસ્તાનમાંથી ગોળી આવશે તો અહીંથી ગોળા જશે. અમિત શાહે કહ્યું નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે તો ઘૂસણખોરોને દેશમાંથી કાઢી મૂકવાનું કામ કરશે.