‘હું કઈ ધૂળનું ઢેફું નથી કે પાણીના પ્રવાહમાં ઓગળી જાઉં, હું તો ખડક છું જે પાણીને પણ તેનું વહેણ બદલવા ફરજ પાડે’ આ શબ્દો બોલનાર અને તેને ચરિતાર્થ કરનાર બાબાસાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે. કબીર પંથની પરંપરા, પિતાની લશ્કરી કારકિર્દીનો વારસો, આકાશ જેટલી સમાજ સર્જિત આફતો અને તેની સામે ચટ્ટાનની જેમ ઊભા રહેવું આદિ પરિબળોએ આધુનિક ભારતીય ઈતિહાસના આ નાયકનું સર્જન કર્યું હતું. ‘જે ઝાડને ઊગવું હોય તે દીવાલ ફાડીને ઊગી નીકળતું હોય છે’ કરોડો ભારતીયોના જીવનમાં આજે પણ અજવાળું પથારી રહેલા બાબાસાહેબનું જીવન મહાકાવ્ય સમું હતું. ‘મુક્નાયક’ અને ‘બહિષ્કૃત ભારત’ જેવા સામયિકો ચલાવવાની વાત હોય, ‘શુદ્રો કોણ હતા’, ‘જાતિ વિચ્છેદ’, ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ’, ‘પ્રોબ્લેમ ઓફ રુપી’ અને ‘થ્રોટસ ઓન પાકિસ્તાન’ સરીખા પુસ્તકો લખવાની બાબત હોય કે મહાડ જળ સત્યાગ્રહ અને નાસિકના કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ જેવા ઈતિહાસ કાર્યો હોય ભીમરાવ પોતાના જમાનાથી ઉફરા ચાલ્યા. સન્માન સાથે જીવતા શીખો, ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખો જેવી જોશીલી વાણી ઉચ્ચારનાર બાબાસાહેબનું 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન થયું.