પોરબંદર-માંગરોળના મધદરિયામાં મધરાત્રે ડૂબી રહેલ દીવની બોટના 8 ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડે રેસક્યુ હાથ ધર્યું હતું.
પોરબંદર-માંગરોળના મધદરિયે માછીમારી કરી રહેલી દીવની એક બોટમાં પાણી ભરાયું હોવાની જાણ માછીમારી કરી રહેલા ખલાસીઓએ વાયરલેસથી કોસ્ટગાર્ડ વિભાગને કરી હતી. બોટમાં પાણી ભરાયું હોય અને ખલાસીઓનો જીવ જોખમમાં હોવાની જાણ શનિવારે રાત્રે 12:50 કલાકે કરી હતી ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનો સી-445 બોટ લઈ તાત્કાલીક સમુદ્રમાં પહોંચી ગયા હતા. સમુદ્રમાં 3:15 મિનીટે ડૂબી રહેલી બોટના સ્થળે પહોંચી જઈ બોટને ડૂબતી બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. બોટનું તળીયું લીક થતા બોટમાં પાણી ભરાયું હોય જેથી ખલાસીઓ બોટમાંથી પાણી ઉલેચવા માટે પમ્પ મારફત સતત પ્રયાસો કરતા હતા. છતાં પણ પાણીની આવક બોટમાં ખૂબ જ વધુ થતી હોય જેની સરખામણીમાં પાણી ઉલેચવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ સમયે કોસ્ટગાર્ડના જવાનો આવી પહોંચ્યા હતા અને તેઓએ અન્ય 2 પમ્પ મૂકી ડૂબતી બોટને બચાવવા માટે બોટમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 85 મિનીટ સુધી કોસ્ટગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી પરંતુ બોટની એક સાઈડમાંથી પાણી બોટમાં ઘૂસી ગયું હતું અને બોટે મધરાત્રે સમુદ્ર વચ્ચે જળસમાધી લીધી હતી. આ દરમિયાન બોટમાં રહેલ તમામ 8 ખલાસીઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું અને કોસ્ટગાર્ડના જવાનોએ સમુદ્રમાં કૂદેલ માછીમારોને રસ્સી અને બોયા ફેંકી બચાવી લીધા હતા અને વહેલી સવારે પોરબંદરની જેટી ખાતે તમામ ખલાસીઓને સહીસલામત લઈ આવવામાં આવ્યા હતા.