લાતૂરની આશા. અહીં વડાપ્રધાન મોદીએ પહેલી વખત મત નાંખવા માટે યુવાઓ પાસે સેનાના પરાક્રમના નામે પોતાનો મત સમર્પિત કરવાની વાત કહી હતી. મત કોને આપશો અંગે વાત ચાલી છે તો એક ગ્રામીણ સંતોષે ઉત્તેજિત થઇ કહ્યું-સેનામાં મરનારા જવાન પણ અમારા અને પાક ન થતાં આત્મહત્યા કરનારા ખેડૂતો પણ અમારા! આ કેવા ‘જય જવાન જય કિસાન’ છે? પાણી અહીં છે જ નહીં. મરાઠાવાડાના દરેક ગામમાં કમે સુખા કુવા, પાણી માટે લાંબી-લાંબી લાઇનો અને માથા પર અનેક માટલા મૂકી દૂર-દૂરથી પાણી લાવતી મહિલાઓને જાઇ શકશો. ખરેખર એ પાણી જ છે જે ચૂંટણીમાં શાસકોના ચહેરાનું પાણી ઉતારી શકે છે. આવો વાત કરીએ મરાઠાવાડાની. ગૌરવશાળી નામ. નામધારી નેતા.. છતાં પછાત ક્ષેત્ર. મરાઠાવાડાથી દેશને ઘણા મોટા નેતા મળ્યા છે. બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વિલાસરાવ દેશમુખ પણ લાતૂરના જ હતા. માજી કેન્દ્રીયમંત્રી શિવરાજ પાટિલ ચાકૂરકર પણ. ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મૂંડે, પ્રમોદ મહાજન, ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ રાવસાહેબ દાનવે સહિત ઘણા દિગ્ગજોનું ઘર મરાઠાવાડા છે. તેમ છતાં આ વિસ્તાર પછાત ક્ષેત્રમાં ગણાય છે. મરાઠાવાડામાં લોકસભાની 8 બેઠકો છે. આ વિસ્તાર કોંગ્રેસનું ગઢ રહ્યું છે. 2014માં મોદી લહેર છતાં કોંગ્રેસ રાજ્યમાં જે બે બેઠકો કબજે કરી હતી તે મરાઠાવાડાની જ હતી. પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોનું વલણ નિર્ણાયક બની શકે છે. સૌથી વધુ મુશ્કેલીનો સામનો મહિલાઓ જ કરી રહી છે. સરકાર દ્વારા ઉપાય કરાયા હોવા છતાં પરિસ્થિતિ સુધરી નથી તો વિપક્ષે પણ આ મુદ્દો અસરકારક રીતે ઉઠાવ્યો નથી.