એકતરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ એપ્રિલ મહિનાની તાસીર મુજબ સૂર્યનારાયણ પણ આકરા મૂડમાં આવી ગયા હોય તેમ છેલ્લા એક પખવાડિયામાં પારો 43 ડિગ્રીને પણ વટી ગયાનો દાખલો છે. ભરઉનાળના આ માહોલમાં લોકોના એસી ધમધમતા થઇ ગયા છે ત્યારે એપ્રિલમાં ભરશિયાળાની કડકડતી ઠંડીનો કુદરતી રીતે જ અનુભવ થાય તો કેવું? કોઇ કદાચ માને કે ન માને ભારત સરકારના મેટ વિભાગના આંકડા મુજબ રાજકોટમાં 116 વર્ષ પહેલા 1903ની સાલમાં પહેલી એપ્રિલે ન્યૂનતમ તાપમાન ઘટીને 10 ડિગ્રી થઇ ગયું હતું. જેને પગલે શહેરના લોકોએ ત્યારે હિલ સ્ટેશનનો અનુભવ કર્યો હશે.
એપ્રિલ મહિનાના તાપમાનના છેલ્લા 10 વર્ષના આંકડા જોઇએ તો મહત્તમ તાપમાનની દૃષ્ટિઅે રાજકોટના શહેરના ઇતિહાસમાં એપ્રિલ માસમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી આ ગાળામાં જ નોંધાઇ હતી. જે મુજબ 14 એપ્રિલ 2017માં નોંધાયેલું 44.8 ડિગ્રી તાપમાન રાજકોટ શહેરનું અત્યાર સુધીનું આ મહિનાનું સૌથી મહત્તમ તાપમાન રહ્યું છે, જ્યારે 1903માં પહેલી એપ્રિલે ન્યૂનતમ પારો ઘટીને 10.0 ડિગ્રી થઇ ગયો હતો.
આ એપ્રિલ માસમાં પણ છેલ્લા 13 દિવસની મહત્તમ તાપમાનની સ્થિતિ જોઇએ તો પારો સામાન્ય રીતે સતત 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે. જેમાં આ અેપ્રિલનો સૌથી ગરમમાં ગરમ દિવસ ત્રીજી એપ્રિલ રહ્યો હતો. જેમા પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ કુદરતનો કરીશ્મા ક્યારેય માનવી સમજી શક્યો નથી ત્યારે સને 1903 માં નોંધાયેલો એપ્રિલ મહિનાના લઘુતમ તાપમાનનો આ રેકર્ડ હજુ અકબંધ છે. આઇએમડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આવું રેર કેસમાં બન્યું હોય. જેમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોય અને નોર્થી ઇસ્ટર્નલી વિન્ડને કારણે ઉત્તર ભારતમાં સ્નોફોલ થતો હોય અને શિયાળો લંબાયો હોય એટલે આવું બન્યું હોય. નહીંતર સામાન્ય રીતે એપ્રિલમાં અપવાદ રૂપે જ ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધી ઉતરતું હોય છે. સામાન્ય રીતે 22 થી 25 ડિગ્રીની આસપાસ જ રહેતું હોય છે.