હું કુરુક્ષેત્ર (હરિયાણા) જિલ્લામાં સ્થિત શાહાબાદ મારકંડા નામના નાના ગામની રહેવાસી છું. મેં શ્રી ગુરુનાનક પબ્લિક હાઇસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે હું 4 વર્ષની હતી. સ્કૂલમાં ઘણી છોકરીઓ અભ્યાસ સાથે હોકીની પ્રેક્ટિસ કરતી હતી. રોજ તેમને આમ કરતી જોઇને મને પણ હોકી રમવાની ઇચ્છા થતી હતી પણ હું બહુ નાની હતી. મારા જેવી ગરીબ છોકરીઓ ઘરની બહાર માટીમાં રમવા સુધી જ સીમિત રહે છે પણ હું માત્ર હોકી રમવાના સપનાં જોવા લાગી. થોડા વર્ષો વીતતાં હું 7-8 વર્ષની થઇ તો એક દિવસ પિતાજી સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી દીધી કે સ્કૂલમાં બધી છોકરીઓ હોકી રમે છે, હું પણ રમીશ. આટલું સાંભળતાં જ તેમણે મને સખત ઠપકો આપ્યો. કહ્યું- આપણે ત્યાં છોકરીઓ રમવા નથી જતી. તે સમય એવો હતો કે જ્યારે અમારા સમાજની છોકરીઓ માટે રમવાનું તો દૂરની વાત રહી, સ્કૂલે જવા સામે પણ વિરોધ થતો. હું નિર્ધાર કરી ચૂકી હતી કે હોકી તો જરૂર રમીશ. જીદ પર અડગ રહી અને ખાવા-પીવાનું છોડી દીધું. આખરે પિતાજી માની ગયા. તેઓ મને હોકીના દ્રોણ કહેવાતા કોચ બલદેવ સિંહ પાસે લઇ ગયા તો તેમણે તરત મને હોકી પકડાવી દીધી. તેઓ હોકીની એબીસીડી શીખવવા સાથે ખૂબ આકરી મહેનત કરાવતા હતા. તેમનું કોચિંગ સવારે 5 વાગ્યે શરૂ થતું હતું. પિતાજી મને ગ્રાઉન્ડ પર છોડીને ત્યાંથી જ કામ પર નીકળી જતા. હું હોકી શીખવા જતી હોવાથી અમારા બધા સંબંધીઓ નારાજ થઇ ગયા. મારા કારણે માતાએ જાત-જાતનાં મહેણાં-ટોણાં સાંભળવા પડતા હતા. પિતાજીને બધા કહેતા કે તેં દીકરીને આટલી આઝાદી આપીને અમારું અને સમાજનું નાક કપાવ્યું છે. મને સમજાતું નહોતું કે આટલી નાની ઉંમરમાં મારા કારણે કોઇનું નાક કેવી રીતે કપાઇ શકે? પિતાજીને કોચે સમજાવ્યા બાદ તેમણે કોઇની પરવા ન કરતાં કહ્યું કે તું તારી રમત પર ધ્યાન આપ. હું હોકી રમવા લાગી હતી પણ એક મોટી પરેશાની એ હતી કે ડાયટ માટે અમારી પાસે પૈસા નહોતા. પિતાજી ઘોડાગાડી ચલાવીને માંડ પરિવારનું ભરણપોષણ કરતા હતા.
વરસાદમાં અમારા ઘરોમાં પાણી ભરાઈ જતું, ત્યારે અમે ખૂણામાં બેસીને પાણી ઉતરવાની રાહ જોતા. અમારો વિસ્તાર નાનો હોવાથી પિતાને ક્યારેક કામ પણ મળતું નહોતું. આ સ્થિતિમાં પિતા મારા ડાયટ માટે રાત-દિવસ મહેનત કરતા, પરંતુ મારા માટે ફ્કત નામના જ ડાયટની વ્યવસ્થા થઈ શકતી. મારી મહેનત અને રમત જોઈને મારા કોચ મારાથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ પિતાને કહેતા કે, એક દિવસ આ છોકરી તમારા પરિવારનું નામ રોશન કરશે. બળદેવ સરે ફ્રી કોચિંગ સાથે ખેલ અકાદમીમાંથી મને કિટ અપાવી હતી. એક-બે વર્ષ હું એકલી જ ગ્રાઉન્ડ પર પહોંચી જતી. પિતાએ ગમે તેમ કરીને એક સાયકલની વ્યવસ્થા કરી હતી. એ પછી મેં પાછું વળીને નથી જોયું. હું ગરીબાઈ સામે લડીને આગળ વધી રહી હતી અને મારી મહેનત રંગ લાવી. એક દિવસ સપનું સાકાર થયું અને અમને નેશનલ ટીમમાં સ્થાન મળી ગયું. ત્યારે મારી ઉંમર ફક્ત 14 વર્ષ હતી. એશિયા ચેમ્પિયનશિપમાં મને ‘બેસ્ટ સ્કોરર એન્ડ યંગેસ્ટ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો. ત્યાર પછી 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં બેસ્ટ સ્કોરર અને એજ વર્ષે વર્લ્ડ કપમાં પણ બેસ્ટ સ્કોરર રહી. મારા જેવી સામાન્ય છોકરી માેટટ વિદેશમાં ફરવું, ત્યાં દેશ માટે રમીને નામ કમાવવું જાણે કોઈ સપનાં જેવું લાગી રહ્યું હતું. પછી મને વર્લ્ડ 11 અને એશિયા 11માં સ્થાન મળ્યું. ફોરવર્ડ પોઝિશન પર રમવાનું શરૂ થતાં મને રમત નિખારવાની તક મળી. પછી તો એવું થયું, જે વિશે મેં વિચાર્યું પણ નહોતું. મને મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવાઈ. ફક્ત 23 વર્ષની ઉંમરે મારા ખભા પર જવાબદારી નાંખી દેવાઈ. મને લાગે છે કે, સફળતા લક્ષ્ય ના હોઈ શકે. બસ, એ જ કરતા રહો, જેને તમે પ્રેમ કરો છો. જેમાં તમારું દિલ લાગે છે અને જેમાં તમે વિશ્વાસ કરો છો. આ રીતે કેપ્ટનશિપ મળ્યા પછી અમે એશિયા કપ જીતી લીધો. ભારતને 13 વર્ષ પછી આવી સફળતા મળી હતી. ત્યારે સ્વદેશ પરત ફરતી વખતે અમારું એટલું જોરદાર સ્વાગત થયું, જેવું ક્રિકેટ ટીમનું થાય છે. હવે હું 25 વર્ષની છું. હું ઈચ્છું છું કે, અમારી ટીમ વર્લ્ડ કપ જીતે અને ઓલિમ્પિકમાં પણ અમે ફરી ચમકીએ. એશિયા કપ જીત્યા પછી મને રાજ્ય અને કેન્દ્ર તરફથી ઢગલાબંધ ઈનામો મળ્યા. અર્જુન અને ભીમ એવોર્ડ મળતા રેલવેમાં નોકરી મળી. થોડા સમય પછી એ નોકરી છોડીને હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની હોકી કોચ બની ગઈ. નાનપણમાં લીધેલા નિર્ણયો અને પિતાના સાથથી એ શક્ય બન્યું. હવે મારા પિતાને હવે આકરી મહેનત કરવી નથી પડતી. મારી મહેનતથી મળેલા પૈસાથી અમે નવું ઘર બનાવ્યું છે. જે લોકો અમારી ટીકા કરતા હતા, તે સગા-સંબંધી ખુદ કોલર ઊંચા કરીને કહે છે કે, રાની અમારા પરિવારની છોકરી છે. પુત્રીઓ કોઈનાથી કમ નથી હોતી. (કુરુક્ષેત્ર બ્યુરો ચીફ સંજીવ રાણા સાથેની વાતચીતના આધારે)
રાની રામપાલ
ભારતીય મહિલા હોકી
ટીમની કેપ્ટન
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today